જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા અને સેન્ટીંગ કામ કરતા મેઘાભાઈ બાબુભાઈ ઝાપડીયા(ઉ.વ.36) ગત રવિવારે જસદણના કનેસરા ગામે એક મકાનનું સેન્ટીંગનું કામ કરતા હતા. ત્યારે લોખંડ કાપતી વખતે અચાનક લોખંડ કાપવાના મશીનમાં કરંટ આવતા તેમને વીજશોક લાગતા ત્યાં જ ઢળી પડ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક આટકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. બાદમાં મૃતકની લાશને પીએમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડી ભાડલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં મૃતક યુવાનના માતા-પિતાનું થોડા સમય પહેલા જ અવસાન થયેલ હોવાથી અને તેઓ અપરણિત હોય હાલ કોઠી ગામે રહેતા તેમના મોટાભાઈ રમેશભાઈ અને શૈલેષભાઈ સાથે રહેતા હતા. પરંતુ તેમનું અકસ્માતે વીજશોક લાગતા મોત નીપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. હાલ આ બનાવની વધુ તપાસ ભાડલા પોલીસ ચલાવી રહી છે.
previous post
