જસદણ શહેરના વોર્ડ નં.2 માં આવેલ ખાડીયા વિસ્તાર પાસે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતાં ગૌસેવકોએ રેસ્કયુ ઓપરેશન કરી ગાયને મહામહેનતે બહાર કાઢી હતી. ગાયને ઈજા પહોંચતા ગૌસેવકો દ્વારા સારવાર અપાઈ હતી.
હાલ શહેરભરમાં જસદણ નગરપાલિકાની બેદરકારીથી મુંગાપશુઓ ગટરમાં પડી જવાના બનાવો બની રહ્યા છે. અવાર નવાર ખુલ્લી ગટરમાં ગાયો પડવાના બનાવો વધી રહ્યા છે છતાં તંત્ર ઘોર નિંદ્રાધીન હોવાથી શહેરીજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા કેમ આ ખુલ્લી ગટરને ઢાંકવામા આવતી નથી એવા અનેક સવાલો લોકોમાં ઉભા થવા પામ્યા છે. ન જાણે જાનકીનાથને કાલ સવારે કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ?. આથી લાગતા વળગતા તંત્ર દ્વારા શહેરભરમાં રહેલી ખુલ્લી ગટરોને તાકીદે ઢાંકવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાય એવી ગૌસેવકો અને શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. છતાં તંત્ર હજી કૂંભકર્ણની ઘોર નિંદ્રામાં પોંઢેલું જ નજરે પડી રહ્યું છે.
અમારા વોર્ડ નં.2 વિસ્તારમાં આવેલ ખાડીયા વિસ્તારમાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદના પાણીના નિકાલ માટે ખુલ્લી ગટર બનાવવામાં આવી હતી. પરંતુ તે ગટરને ઢાંકવાની કામગીરી કર્યા વગર જ ગટરને ખુલ્લી મૂકી દેવાતા અવારનવાર તે ખુલ્લી ગટરમાં ગાય સહિતના મૂંગા પશુઓ ખાબકે છે. જો આ ખુલ્લી ગટર પર નગરપાલિકા તંત્ર દ્વારા પથ્થર મૂકી દેવામાં આવેલ હોત તો આ ગાય તેમાં પડેત નહી. કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ગત વિધાનસભાની ચૂંટણી વખતે આ વિસ્તારના લોકોએ આ ખુલ્લી ગટરને લઈને મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
પછી અમે લોકોએ તેમને સમજાવીને આ ખુલ્લી ગટર પર પથ્થર મૂકી દઈશું તેવી ખાતરી આપી હતી આ પ્રશ્ને કેબીનેટ મંત્રી અને ચીફ ઓફિસર સહિતને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે. છતાં હજી સુધી આ ખુલ્લી ગટરને ઢાંકવાનું કામ પૂર્ણ કરવામાં આવેલ નથી. > બીજલભાઈ ભેસજાળીયા, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન.
