જસદણમાં મકાનની દિવાલ રિપેર કરવા મામલે વેપારી પર તેના પડોશમાં રહેતાં દંપતી સહિત ચાર શખ્સએ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી રૂ.1500 નું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જસદણ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે જસદણના ટાવર ચોકમાં રહેતાં પાર્થભાઇ ગીરીશભાઇ કાગડા (ઉ.વ.26) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરતભાઈ છેલુભાઈ મહેતા, દિપકભાઈ છેલુભાઈ મહેતા, ઓમ ભરતભાઈ મહેતા અને ઉષાબેન ભરતભાઈ મહેતાનું નામ આપતાં જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને જસદણ મેઇન બજારમાં ડી.કે.મેટલ્સ નામની વાસણની દુકાન છે. પાંચ દિવસ પહેલા તેમના કાકા રાજેન્દ્રભાઇ ઉર્ફે દિપકભાઇ કાગડાએ તેઓને કહેલ કે, મારા મકાન પાછળ ભરતભાઈ મહેતાનું મકાન આવેલ છે અને મારા કાચા મકાનની દિવાલમાંથી માટી તેના ફળીયામાં પડતી હોય જેથી તે દિવાલ સરખી કરી સીમેન્ટથી સરખી કરી નાખવાનું કહ્યું છે. જે બાબતે ભરતભાઈ સાથે વાત કરતાં તેને સરખો જવાબ આપેલ નહીં. જે બાદ માથાકુટ થવા પામી હતી. પતિ-પત્નીએ ફડાકા ઝીંકી ગાળો આપી હતી.બાદમાં તેઓ મેઇન બજારમાં આવેલ દુકાને બેઠા હતાં ત્યારે ભરત અને તેમના ભાઈ દિપક ધસી આવ્યા હતા અને ગાળો આપી દુકાનમાં વાસણો પછાડ્યા હતા અને તોડફોડ કરી હતી. બાદમાં ફરિયાદીના સંબંધી આવી જતાં ચારેય શખ્સએ આજે તો આ બધા આવી ગયા એટલે તું બચી ગયો છો અને હવે જો તારી દુકાને દેખાયો તો જીવતો નહી રહેવા દઇએ તેમ કહી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતાં.આ બનાવ અંગેની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
