રાજકોટ જિલ્લાના ભાડલા તાબેના રાણીંગપર ગામે બાબુ તળશી સોમાણી નામના ખેડૂતે તેના ખેતરમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યું હોવાની જિલ્લા પોલીસની સ્પે.ઓપરેશન ગ્રૂપના કોન્સ. કાળુભાઇ ધાધલ, અમિતદાન સુરૂને માહિતી મળી હતી. જે માહિતીના આધારે એસઓજી ઇન્ચાર્જબી.સી. મિયાત્રા સહિતના સ્ટાફે રાણીંગપર ગામે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ખેડૂત બાબુ સોમાણી વાડીમાંથી મળી આવ્યા હતા અને વાડીમાં તપાસ કરતા ગાંજાના 45 લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે રૂ.11.64 લાખની કિંમતના 116.400 કિ.ગ્રા.ના ગાંજાના 45 લીલા છોડ કબજે કરી ખેડૂત બાબુ સોમાણીને જસદણ પોલીસ હવાલે કર્યા છે. ઈન્ચાર્જ પીઆઈ મિયાત્રાએ જણાવ્યું કે, ગાંજાના વાવેતરની કોઈને જાણ ન થાય તે માટે ખેડૂત બાબુ સોમાણીએ તેના બાપદાદાની ખેતીની જમીનમાં 15 વિધામાં કપાસ તેમજ તુવેર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું. ગત શ્રાવણ મહિનામાં કનેસરા ખાતેના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે ત્યાંથી ગાંજાના છોડ લઇ આવી પહેલી જ વખત વાવેતર કર્યાની કેફિયત આપી છે. વિશેષ પૂછપરછ કરવા જસદણ પોલીસે ખેડૂત બાબુ સોમાણીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાના વાવેતરનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જિલ્લા પોલીસે વધુ એક ખેતરમાં થતું ગાંજાનું વાવેતર પકડી પાડયું છે.
રિપોર્ટ:- વિજય ચોહાણ ,જસદણ
